રેલ્વે મંત્રી(Railway Minister) અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું કે ઓડિશાના બાલાસોર પાસે ટ્રેન દુર્ઘટનાનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે. અકસ્માત માટે જવાબદાર લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામીને કારણે આ દુર્ઘટનાને જવાબદાર ગણાવી હતી. ઇન્ટરલોકિંગથી માર્ગ ખોટી રીતે સેટ કરવામાં આવ્યો હતો. પહેલા ઈન્ટરલોકીંગ મેન્યુઅલી થતું હતું, હવે તે ઈલેક્ટ્રોનિક થઈ ગયું છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે, સેફ્ટી કમિશનરે અકસ્માતની તપાસ પૂર્ણ કરી છે. આ ટેકનિકલ છે કે માનવીય ભૂલ, પરંતુ વાસ્તવિક ભૂલ ક્યાં થઈ તે સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. રેલવે બોર્ડે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. બોર્ડના ઓપરેશન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટના સભ્ય જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે ઇન્ટરલોકિંગ ખામીને કારણે કોરોમંડલ એક્સપ્રેસને મુખ્ય લાઇનથી લૂપ લાઇન તરફ વાળવામાં આવી હતી.
અકસ્માતમાં માર્યા ગયેલા 170 લોકોના મૃતદેહ ભુવનેશ્વર મોકલવામાં આવ્યા છે. આમાં લગભગ 100 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોને ભુવનેશ્વર એઈમ્સ, કેપિટલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. ઓળખ બાદ, ઓડિશા સરકારે મૃતદેહોને તેમના સંબંધિત વિસ્તારોમાં મફતમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. અકસ્માત બાદ પાટા રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. પલટી ગયેલી તમામ બોગીઓ હટાવી લેવામાં આવી છે. હવે ટ્રેકને જોડવાનું કામ ચાલી રહ્યું છે. વિવિધ ટીમોના આશરે 1000 કર્મચારીઓ સમારકામમાં રોકાયેલા છે. આ કામગીરી બુધવાર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી. પટનાયકે ખાતરી આપી હતી કે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ઘાયલ મુસાફરોના જીવ બચાવવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
Leave a Reply
View Comments