શ્રદ્ધા હત્યાકાંડમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા, જંગલમાંથી મળેલા હાડકાનો DNA પિતા સાથે મેચ થયો

શ્રદ્ધા વાલ્કરની હત્યાની તપાસની સમગ્ર પ્રક્રિયા ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝની સ્ક્રિપ્ટથી અલગ નથી. અત્યંત જટિલ હત્યાના આ કેસમાં પોલીસે અત્યાર સુધીની તપાસ અત્યંત વૈજ્ઞાનિક ઢબે આગળ વધારી છે. હવે લાગે છે કે તપાસ એજન્સીઓની મહેનત રંગ લાવી શકે છે અને શ્રદ્ધા અને તેના પરિવારને ન્યાય મળી શકે છે.

વાસ્તવમાં, સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે શ્રદ્ધાના પિતા વિકાસ વાલ્કરના ડીએનએ સેમ્પલ દિલ્હી પોલીસ દ્વારા મેહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાંથી એકત્રિત કરાયેલા હાડકાના ટુકડા સાથે મેચ થયા છે. પિતાના ડીએલએ સાથે મેચ થવાનો અર્થ એ છે કે જે હાડકાના ટુકડા મળ્યા છે તે શ્રદ્ધાના છે. શ્રદ્ધા હત્યા કેસની તપાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબધી ગણી શકાય.

તમને જણાવી દઈએ કે આરોપી આફતાબને સાથે રાખીને પોલીસે ઘણા દિવસો સુધી મહેરૌલી અને ગુરુગ્રામના જંગલોમાં શોધખોળ કરી હતી અને શ્રદ્ધાના અવશેષો શોધવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે ત્યારબાદ જંગલોમાંથી માનવ જડબાના હાડકા, જાંઘના હાડકા સહિત શરીરના કેટલાક અંગો મેળવ્યા હતા. બાદમાં અવશેષોને સીએફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરના ડીએનએ સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા જેથી પિતા અને પુત્રીના સેમ્પલ મેચ થઈ શકે.

ગયા વર્ષે 18 મેના રોજ શ્રદ્ધાની તેના જ લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ નિર્દયતાથી હત્યા કરી હતી. આટલું જ નહીં, તેણે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી શહેરના અલગ-અલગ સ્થળોએ ફેંકી દીધા. આમ, મૃતદેહના ટુકડાઓ હટાવતા પહેલા, એવું કહેવામાં આવ્યું છે કે આરોપીએ આ ટુકડાઓ તેના મહેરૌલી નિવાસસ્થાનમાં ફ્રીજમાં સાચવ્યા હતા. આફતાબની પોલીસે 12 નવેમ્બરે ધરપકડ કરી હતી, જે હાલમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

આરોપી આફતાબે બંને ટેસ્ટ દરમિયાન શ્રદ્ધાની હત્યા અને તેના શરીરના ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધાની કબૂલાત કરી છે. આ સમગ્ર મામલાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે, શ્રદ્ધા હત્યા કેસનો ભેદ ઉકેલવા પુરાવા એકત્ર કરવાના આશયથી પોલીસે આફતાબનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરાવ્યો હતો. દિલ્હીના સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે પોલીસને CFSL લોધી રોડ પરથી DNA રિપોર્ટ મળ્યો છે. રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં છે, પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ પણ આવી ગયો છે, તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. જે રિપોર્ટ મળ્યો છે તે અમારા માટે મદદરૂપ સાબિત થશે.