Photo Story : સ્માર્ટ સીટી સુરતમાં સાઈકલ બની ભંગાર ? સાઈકલ શેરીંગ પ્રોજેક્ટ બન્યો ધોળા હાથી સમાન !

A bicycle becomes a wreck in Smart City Surat
A bicycle becomes a wreck in Smart City Surat

સુરત મહાનગર પાલિકા અને કલેકટર કચેરી દ્વારા પર્યાવરણ જાગૃત્તિના ભાગરૂપે હવે દર મહિને પહેલા શનિવારના રોજ સરકારી કર્મચારીઓને સાયકલના પ્રયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સુવિધા માટે મુકવામાં આવેલી સાયકલોની દુર્દશા ખુદ મહાનગર પાલિકાના વહીવટી તંત્રની આ યોજનાની ગંભીરતા અંગે ચાડી ખાઈ રહ્યું છે.

કરોડો રૂપિયાના ખર્ચે મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલ બાઈસિકલ પ્રોજેક્ટ હવે ધોળા હાથી સમાન પુરવાર થઈ રહ્યો છે. આ સિવાય મોટા ભાગના સાયકલ સ્ટેન્ડ પણ ક્ષતિગ્રસ્ત નજરે પડી રહ્યા છે.

 

સ્માર્ટ સિટી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં અલગ – અલગ વિસ્તારોમાં શહેરીજનો માટે સાયકલો મુકવામાં આવી છે. જો કે નિયમિત દેખરેખના અભાવે હવે આ સાયકલો ખખડધજ હાલતમાં નજરે પડી રહી છે. સાયકલો મુકવા માટે બનાવવામાં આવેલા સ્ટેન્ડો પર કોઈ શ્રમજીવી કપડાં સુકવી રહ્યું છે તો કોઈ સ્થળે સાયકલ સ્ટેન્ડ જ અદ્રશ્ય થઈ ચુક્યા છે.

 

આ સ્થિતિમાં મહાનગર પાલિકા પર્યાવરણ જાગૃત્તિ પર મુકવામાં આવી રહેલો ભાર તેમની કથની અને કરની વચ્ચેની ચાડી ખાઈ રહ્યો હોય તેમ ભાંસી રહ્યું છે. એક તરફ શહેરમાં પ્રદૂષણ અને પાર્કિંગની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ હવે ધોળા હાથી સમાન પુરવાર થઈ રહ્યો છે. નિયમિત દેખ-રેખના અભાવે હવે શહેરીજનોનો પણ આ પ્રોજેક્ટથી મોહભંગ થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

મહાનગર પાલિકા દ્વારા ખાસ કરીને રિંગરોડ પર ફ્લાયઓવર બ્રિજની નીચે સાયકલ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જયાં કાયમ શ્રમજીવીઓ વસવાટ કરતાં હોય છે. આ સ્થિતિમાં સાયકલ સ્ટેન્ડ પર જ શ્રમજીવીઓ દ્વારા પોતાનો અડ્ડો જમાવી લેવામાં આવ્યો હોવાનું પણ નજરે પડી રહ્યું છે. ક્યાં સાયકલો સ્ટેન્ડ વગર ધુળ ખાતી નજરે પડી રહી છે તો ક્યાં સ્ટેન્ડો પર સાયકલો જ નજરે પડતી નથી. આમ, આ પ્રોજેક્ટ માટે પ્રારંભમાં મોટી મોટી વાતો કરનાર વહીવટી તંત્ર દ્વારા હવે આ પ્રોજેક્ટની તકેદારી મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.