કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશ બેરોજગારી અને કમરતોડ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. કોંગ્રેસ આ અંગે લોકો પાસેથી સૂચનો લઈ રહી છે જેથી પાર્ટી 2024માં દેશ માટે પોતાનો આર્થિક એજન્ડા તૈયાર કરી શકે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા પર પાર્ટીના નેતા રાહુલ ગાંધીને અભિનંદન આપતા કહ્યું કે આ યાત્રાએ રાષ્ટ્રીય જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. તેમણે કહ્યું કે યાત્રા શુક્રવારે 100 દિવસ પૂર્ણ કરીને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
યાત્રાના 100 દિવસ પૂરા થવા પર ખડગેએ એક વીડિયો સંદેશમાં કહ્યું, ‘મેં આ અવસર પર રાહુલ ગાંધીને અભિનંદન પાઠવ્યા છે. ભારત જોડો યાત્રાને લાખો લોકોનું સમર્થન અને વિશ્વાસ મળી રહ્યો છે. યાત્રામાં અમે યુવાનો, ખેડૂતો, સમાજના દલિત વર્ગો, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સીધો સંવાદ કરીએ છીએ.
તેમણે કહ્યું કે આ યાત્રા મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર દેશને એક કરી રહી છે – પ્રથમ અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને લઘુમતીઓ સામે વધી રહેલા અત્યાચારને પગલે સમાજમાં ફેલાયેલી નફરત વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહી છે. ખડગેએ કહ્યું કે છેલ્લાં આઠ વર્ષમાં દેશ બેરોજગારી અને કમરતોડ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ અંગે લોકો પાસેથી સૂચનો લઈ રહી છે જેથી પાર્ટી 2024માં દેશ માટે પોતાનો આર્થિક એજન્ડા તૈયાર કરી શકે.
ભાજપે બંધારણીય સંસ્થાઓને નબળી પાડી
તેમણે કહ્યું કે ત્રીજું, દેશમાં રાજકીય સરમુખત્યારશાહીનો યુગ આવ્યો છે અને સત્તાની ભૂખી ભાજપે જે રીતે બંધારણીય સંસ્થાઓને નબળી પાડી છે, હવે દરેક તેની વિરુદ્ધ બોલી રહ્યા છે. ખડગેએ કહ્યું, ‘ભારત જોડો યાત્રા હવે રાષ્ટ્રીય જન આંદોલન છે. અમને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં આપણે બધા સાથી ભારતીયો ભારતને નવી દિશા અને ગતિ આપી શકીશું.
Leave a Reply
View Comments