Surties : શહેરના સિંગણપોર – ડભોલીમાં લવ જેહાદ – લેન્ડ જેહાદ વિરૂદ્ધ બેનરો લાગ્યા, કાર્યક્રમમાં બહેન દિકરીઓને સપરિવાર હાજર રહેવા નિમંત્રણ

શહેરના ડભોલી – સિંગણપોર ખાતે અલગ – અલગ વિસ્તારોમાં આજે સવારથી લવ જીહાદ અને લેન્ડ જીહાદ મુદ્દે આયોજીત થનારા કાર્યક્રમના પોસ્ટરો લાગતાં સ્થાનિકોમાં ભારોભાર કૌતુહલ જોવા મળ્યું હતું. એક તરફ આગામી વિધાનસભાની ચુંટણીની જાહેરાતને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આ રીતે લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બહેન – દિકરીઓને સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવતીકાલે ડભોલી ચાર રસ્તા ખાતે યોજાનારા આ કાર્યક્રમનું આયોજન હાલ હિન્દુ હિત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારથી જ શહેરના સિંગણપોર અને ડભોલી વિસ્તારમાં ઠેર – ઠેર લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે હિન્દુઓમાં જાગૃત્તિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમના આયોજન અંગેના પોસ્ટર – બેનરોએ ચર્ચા જગાવી છે. હિન્દુ હિત ગ્રુપ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સામાજીક કાર્યકર્તા કાજલબેન હિન્દુસ્તાન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેનાર છે. આવતીકાલે રાત્રે 8.30 કલાકે વેડરોડ ખાતે ડભોલી ચાર રસ્તા પાસે આવેલ ધર્મનંદન ફાર્મમાં આયોજીત આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા મોટી સંખ્યામાં બહેનો – દિકરીઓને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અલબત્ત, આ કાર્યક્રમ પાછળ રાજકીય ઉદ્દેશ્ય છે કે કેમ તે અંગે ચર્ચાનો દૌર શરૂ થઈ જવા પામ્યો છે.

ચુંટણી પંચ દ્વારા ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીની જાહેરાત સંભવતઃ આગામી સપ્તાહમાં કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે હવે લવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવા મુદ્દે આયોજીત આ કાર્યક્રમે રાજકીય ચર્ચા જગાવી છે. જો કે, બીજી તરફ કાર્યક્રમના આયોજકો દ્વારા આ કાર્યક્રમ માત્ર હિન્દુ સમાજની બહેન – દિકરીઓને વિધર્મીઓથી સાવચેત રહેવા સાથે સાથે તેઓમાં આ પ્રકારના જેહાદ વિરૂદ્ધ જાગૃતિ ફેલાય તે માટે કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.