બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર માટે 4 હજાર સ્ક્વેર ફીટનો વિશાળ સ્ટેજ બનાવશે : અંદાજે 2 લાખ લોકો લેશે ભાગ

Approximately 2 lakh people will participate in the Divine Durbar of Bageshwar Baba
Approximately 2 lakh people will participate in the Divine Durbar of Bageshwar Baba

સુરત શહેરના લિંબાયત ખાતે નિલગીરી મેદાનમાં આગામી 26 અને 27મી મેના રોજ બે દિવસીય આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય દિવ્ય દરબારમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવો આશાવાદ સમારોહના આયોજન સાથે સંકળાયેલ સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આજરોજ એપીએમસી માર્કેટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં બાગેશ્વર ધામ આયોજીન સમિતિ સાથે સંકળાયેલા અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નિલગીરી સર્કલ ખાતે દિવ્ય દરબારના આયોજનની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બે દિવસીય કાર્યક્રમમાં અઢી લાખ લોકો ભાગ લેશે તેવી જાણકારી તેઓએ આપતાં જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાને રાખીને કુલ 7.20 લાખ સ્કવેર ફીટના ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા માટેના 20 વિશાળ બ્લોક બનાવવામાં આવ્યા છે.

જેમાં 1.75 લાખ શ્રદ્ધાળુઓના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની સિઝનને પગલે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તે માટે પીવાના પાણીથી માંડીને આસપાસના છ વિસ્તારોમાં નિઃશુલ્ક પાર્કિંગની પણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, દિવ્ય દરબાર માટે 4 હજાર સ્કવેર ફુટનો વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે અને પાંચ હજાર સ્કવેર ફુટની જગ્યાને કવર કરતાં મહાકાય એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.