Gujarat : અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકવાનો પ્રયાસ, વિડીયો થયો વાયરલ

Attempt to throw water bottle on Arvind Kejriwal, video went viral
Attempt to throw water bottle on Arvind Kejriwal, video went viral

ગુજરાતના રાજકોટમાં ગરબા કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેંકવામાં આવી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતાઓએ રવિવારે આ જાણકારી આપી. જોકે, આ પ્લાસ્ટિકની બોટલ કેજરીવાલના માથા ઉપરથી ગઈ હતી અને કેજરીવાલને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેજરીવાલ શનિવારે રાત્રે નવરાત્રિના ગરબા કાર્યક્રમ દરમિયાન લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની તરફ પાછળથી બોટલ ફેંકી હતી.

આ અવસર પર જ્યારે તેઓ ભીડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીની સાથે સુરક્ષા અધિકારીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. આમ આદમી પાર્ટી (AAP)ના મીડિયા કન્વીનર સુકનરાજે કહ્યું કે, “થોડી દૂરથી બોટલ ફેંકવામાં આવી હતી અને કેજરીવાલના માથા પરથી પસાર થઈ હતી. એવું લાગે છે કે બોટલ કેજરીવાલ પર ફેંકવામાં આવી હતી, પરંતુ મામલો શું હતો તે ચોક્કસ કહેવું અમારા માટે મુશ્કેલ છે. હજુ સુધી આ બાબતે પોલીસનો સંપર્ક કરવાની કોઈ જરૂર જણાતી નથી.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રાજકોટમાં અન્ય ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શનિવારે કચ્છ જિલ્લાના ગાંધીધામ અને જૂનાગઢમાં રેલી કર્યા બાદ બંને મુખ્યમંત્રીઓ રાત્રે રાજકોટમાં રોકાયા હતા. તેઓ રવિવારે સુરેન્દ્રનગર શહેર અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં સંયુક્ત રીતે બે રેલીઓને સંબોધશે.

ગુજરાત ચૂંટણી માટે AAP મિશન મોડમાં છે

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારથી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે ગાંધીધામમાં જાહેર સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો દરેક ગામમાં સરકારી શાળાઓ બનાવવામાં આવશે અને નર્મદાનું પાણી કચ્છ જિલ્લાના દરેક ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે.

બેઠકોનો રાઉન્ડ

પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભાના સભ્ય અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં હશે. મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, “સિસોદિયા અને ચઢ્ઢા પણ કેટલીક મહત્વપૂર્ણ સભાઓ અને રેલીઓ માટે અમદાવાદ આવી રહ્યા છે. કેજરીવાલ તેમની મુલાકાત દરમિયાન પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ કરશે.

જુઓ વિડીયો :