Surties : વિધાનસભા ચુંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે છેલ્લી ઘડીએ શાસકોને તક્ષશિલા સ્મારક યાદ આવ્યું

ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાતની ગણતરીની મીનીટો પૂર્વે જ મહાનગર પાલિકાના શાસકો દ્વારા આનન ફાનનમાં તક્ષશિલા હોનારતમાં મોતને ભેટેલા નિર્દોષ બાળકો માટે સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. સાતેક મહિના પહેલા બજેટમાં તક્ષશિલા દુર્ઘટનાને ધ્યાને રાખીને સ્મારક બનાવવાની જોગવાઈ કરવામાં આવ્યા બાદ હવે અચાનક ચૂંટણીની જાહેરાત પૂર્વે આ અંગેની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવતાં તર્ક – વિતર્કો શરૂ થઈ ચુક્યા છે. જોકે , આ સ્મારક ક્યાં બનશે તે અંગે હજી સુધી અવઢવ છે.

રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચુંટણીલક્ષી વાતાવરણ વચ્ચે હાલમાં જ મહાનગર પાલિકા દ્વારા છેવાડાના નાગરિકો સુધી વિકાસનો લાભ પહોંચે તે માટે એક હજાર કરોડ રૂપિયાથી વધુ રકમના પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુર્હૂતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંગેનો ઉલ્લેખ કરતાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર શહેરના સર્વાંગી વિકાસની સાથે – સાથે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રેસર છે.

સમગ્ર દેશમાં વિકાસની અગ્રહરોળમાં સ્થાન ધરાવતાં સુરતનો ઉલ્લેખ કરતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સને 2019માં શહેરના છેવાડે આવેલા સરથાણામાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં જે ગોઝારી દુર્ઘટના બની હતી તેને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ હોનારતમાં મોતને ભેટેલા 22 જેટલા નિર્દોષ બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળી રહે તે માટે સને 2022- 23ના બજેટમાં આ વિસ્તારમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરતાં મેયરે જણાવ્યું હતું કે, હાલના તબક્કે ટાઉન પ્લાનિંગ સ્કીમ 21 અને 22 અથવા તેના આસપાસના વિસ્તારમાં શહીદ સ્મારક માટેની જગ્યાની પસંદગી કરવામાં આવશે. અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ સ્મારકના આયોજન બાદ વધુ રકમની જોગવાઈ પણ કરવામાં આવશે.

જોકે , આજે બપોરે ચુંટણી પંચ દ્વારા વિધાનસભાની ચુંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેના ગણતરીનાં સમય પૂર્વે જ શાસકો દ્વારા આ રીતે તક્ષશિલા હોનારતના મૃતકોની સ્મૃતિમાં સ્મારક બનાવવાની જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી અનેક તર્ક – વિતર્ક શરૂ થઈ ચુક્યા છે.