શહેરના(Surat ) ઉધના – મગદલ્લા રોડ ખાતે ગત મોડી રાત્રે એક ડમ્પર ચાલક દ્વારા ફુટપાથ પર પરિવારજનો સાથે નિંદ્રાધીન બે વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ પાશવી બળાત્કાર ગુજારવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અલબત્ત, માસુમ બાળકીના પરિવારજનો દ્વારા ડમ્પર ચાલકનો પીછો કરવાની સાથે પોલીસ કંટ્રોલમાં સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસની સજાગતાને પગલે નરાધમ ડમ્પર ચાલકને પોલીસે ગણતરીનાં સમયમાં જ ઝડપી પાડ્યો હતો. જો કે, પાશવી બળાત્કારનો ભોગ બનેલ માસુમ બાળકીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે ઉધના – મગદલ્લા રોડ પર અણુવ્રત દ્વાર પાસે આવેલ બ્રિજની નીચે શ્રમજીવી પરિવારો નિંદ્રાધીન હતા. આ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ એક ડમ્પર (જીજે 05 બીડટી 4300)ના 25 વર્ષીય ચાલક સુભદીપ બાલકૃષ્ણ (મૂળ દેવરિયા – યુપી, હાલ રહે-મગદલ્લા બંદર) શ્રમજીવી પરિવારની સાથે સુઈ રહેલી માત્ર બે વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને ડમ્પરમાં લઈને ફરાર થઈ ગયો હતો. માસુમ બાળકી દ્વારા કોઈપણ પ્રકારનો અવાજ ન કરવામાં આવે તે માટે નરાધમ ડમ્પર ચાલક દ્વારા તેના મોઢામાં ડુચો મારી દેવામાં આવ્યો હતો. જો કે, આ દરમ્યાન શ્રમજીવી પરિવારનો એક યુવક જાગી જતાં તેને સમગ્ર ઘટનાનો ખ્યાલ આવી ગયો હતો અને તાત્કાલિક પરિવારના અન્ય સભ્યોને આ ઘટનાની જાણ કરતાં જ તેઓ ડમ્પરનો પીછો કરવા લાગ્યા હતા.
ડમ્પરમાં જ પોતાની વ્હાલસોયી પુત્રી હોવાને કારણે પરિવારજનો ઉઘાડા પગે ડમ્પરનો પીછો કરી રહ્યા હતા. જો કે, આ દરમ્યાન શ્રમજીવી યુવક દ્વારા સ્થાનિક પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મગદલ્લા સુધી પરિવારજનો અને પોલીસ દ્વારા ડમ્પરનો પીછો કર્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ જે દ્રશ્ય તેઓએ નિહાળ્યું હતું તે કાળજું કંપાવનારૂં હતું. નરાધમ દ્વારા ડમ્પરની કેબિનમાં જ માસુમ બાળકી સાથે પાશવી બળાત્કાર ગુજાર્યા બાદ નાસી છૂટે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષની માસુમ બાળકી સાથે જઘન્ય બળાત્કારની આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ પોલીસ દ્વારા તાત્કાલિક બળાત્કારનો ભોગ બનેલ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Leave a Reply
View Comments