ગોડાદરામાં સીટી બસ ચાલકે વધુ એક મોપેડ સવારને લીધો અડફેટમાં

Another moped rider was hit by a city bus driver in Godadara
Another moped rider was hit by a city bus driver in Godadara

શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી બસ અને બીઆરટીએસ બસો પર વહીવટી તંત્રનો કોઈ અંકુશ હોય તેમ જણાઈ રહ્યું નથી. બેફામ ડ્રાઈવિંગ અને છાશવારે જીવલેણ અકસ્માતો સર્જતા બસ ચાલકો વિરૂદ્ધ હવે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના ગોડાદરામાં વધુ એક વખત ગત રાત્રે સિટી બસના ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં મોપેડ સવારને અડફેટે લીધા બાદ નાસી છૂટવાનો પ્રયાસો કર્યો હતો. જો કે, અન્ય વાહન ચાલકો દ્વારા બસ ચાલકનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગત મોડી રાત્રે શહેરના ગોડાદરા વિસ્તારમાં બેફામ દોડી રહેલ સિટી બસ (જીજે-5 સીયુ-8062)ના ચાલકે ઓવરટેક કરવાના ફિરાકમાં મોપેડ સવારને અડફેટે લીધો હતો. અચાનક સર્જાયેલા અકસ્માતને પગલે મોપેડ ચાલકના પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જો કે, આ ઘટનાને પગલે અન્ય વાહન ચાલકો પણ ઘટના સ્થળે એકઠાં થઈ જતાં બસ ચાલક નાસી છૂટ્યો હતો. જેને પગલે ઘાયલ મોપેડ ચાલકના પરિવારજનો સહિત અન્ય લોકોએ બસ ચાલકનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને દુર્ઘટનામાં ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોએ બસને ઘેરી વળતાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી. ભારે જહેમત બાદ સ્થાનિકોને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને ચાલકની અટકાયત કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.