બીપરજોય વાવાઝોડાના આફ્ટર શોક હજી પણ યથાવત : સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ

Aftershocks of cyclone Beeperjoy still lingering: Cloudy conditions in city since morning
Aftershocks of cyclone Beeperjoy still lingering: Cloudy conditions in city since morning

બિપરજોય વાવાઝોડાના આફટર શોક હજી સુરત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવવાની સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. કચ્છ – સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાદ હવે આજે સુરત શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે તાપમાનનો પારો ગગડતાં નાગરિકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. આજે સુરત શહેરમાં વરાછા, કાપોદ્રા, લિંબાયત, ઉધના, અઠવા, મજુરા, સારોલી અને કુંભારિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગુજરાતના દરિયાકાંઠાને ઘમરોળ્યા બાદ હવે બિપરજોય વાવાઝોડું રાજસ્થાન ભણી પહોંચ્યું છે. કચ્છ સહિત સૌરાષ્ટ્ર, અમદાદાવા અને જામનગર સહિતના વિસ્તારોમાં વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જો કે, આજે સવારે સુરતમાં પણ તાપમાનનો પારો ગગડ્યા બાદ શહેરના અલગ – અલગ વિસ્તારોમાં છુટ્ટોછવાયો વરસાદ ખાબક્યો હતો. પીકઅવર્સમાં વરસાદને પગલે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આજે વહેલી સવારથી જ વાદળોની સંતાકુકડી વચ્ચે શહેરમાં અલગ – અલગ વિસ્તારોમાં છુટ્ટોછવાયો વરસાદ ખાબક્યો હતો. પીક અવર્સમાં મેઘરાજાના આગમનને પગલે નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પ઼ડ્યો હતો. મોપેડ અને બાઈક સવાર નાગરિકો વરસાદને પગલે મને-કમને ભિંજાવવા મજબુર બન્યા હતા તો બીજી તરફ રાહદારીઓને પણ અચાનક વરસાદને પગલે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વરસાદમાં ન ભીંજાવવા માટે કેટલાક શહેરીજનો નાછૂટકે બ્રિજના નીચે વરસાદ બંધ થવાની રાહ જોતા નજરે પડ્યા હતા.