આપ દ્વારા વધુ 12 વિધાનસભા બેઠકોના ઉમેદવારો જાહેર
વરાછામાં અલ્પેશ અને ઓલપાડમાં ધાર્મિક આપના ઉમેદવાર
ઓલપાડ અને વરાછામાં કોંગ્રેસ દ્વારા ક્રમશઃ દર્શન નાયક અને પપન તોગડીયાની જાહેરાત બાદ હવે ભાજપના ઉમેદવારો પર સૌની નજર
ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત સાથે જ રાજકીય પાર્ટીઓ દ્વારા મુરતિયાઓની પસંદગીની કવાયત માટે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની 12 વિધાનસભા બેઠકો માટેની વધુ એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાને પણ ક્રમશઃ વરાછા અને ઓલપાડ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી આ બન્ને બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદ હવે આપ દ્વારા પણ ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ 12 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવતાં વરાછા અને ઓલપાડ બેઠક માટે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. પાટીદારોના ગઢ એવા આ બન્ને વિધાનસભા બેઠકો માટે આજે આપ દ્વારા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
સુરતની વરાછા બેઠક પર અલ્પેશ અને ઓલપાડ બેઠક પર ધાર્મિકને ટિકીટ ફાળવવામાં આવી છે. કતારગામ ખાતે આયોજીત એક પત્રકાર પરિષદ દરમ્યાન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, હાલમાં જ ગારિયાધાર ખાતે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરનાર પાટીદાર અનામત આંદોલનના બે આંદોલનકારીઓને ટિકીટ ફાળવવાનો પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય આજે જે 12 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ – વેસ્ટ, કુતિયાણા અને બોટાદનો પણ સમાવેશ થાય છે.
પાટીદાર અનામત આંદોલનને પગલે ચર્ચામાં આવેલા અને પાટીદાર યુવાઓમાં અલગ ઓળખ ઉભી કરનારા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માવલિયાને ટિકીટ મળ્યા બાદ હવે રાજ્યની સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠકોમાં ઓલપાડ અને વરાછા વિધાનસભા બેઠકનો સમાવેશ થશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. ભાજપનો ગઢ ગણાતી આ બન્ને બેઠકો પર પહેલી વખત આમ આદમી પાર્ટી દ્વારા પાટીદારોના વર્ચસ્વને ધ્યાને રાખીને ધાર્મિક અને અલ્પેશને ચુંટણી જંગમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જો કે, હજી સુધી ભાજપ દ્વારા આ બન્ને બેઠકો પર પોતાના ઉમેદવારો અંગે હજી સુધી કોઈ કળ આવવા દીધી નથી ત્યારે ભાજપના ઉમેદવારો પર હવે સૌથી નજર મંડાઈ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઓલપાડમાં દર્શન નાયક અને વરાછામાં પપન તોગડીયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
મનપાની ચુંટણીમાં કોંગ્રેસથી માલવિયાનો થયો હતો મોહભંગ
સુરત મહાનગર પાલિકાની 2015ની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા પાસના અગ્રણી અને યુવા આંદોલનકારી ધાર્મિક માલવિયાને ટિકીટ ફાળવી હતી. જો કે, છેક છેલ્લી ઘડીએ ધાર્મિક માલવિયા દ્વારા કોંગ્રેસમાંથી કોર્પોરેટરના ઉમેદવાર તરીકેનું ફોર્મ ન ભરવામાં આવતાં પાટીદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો અને આમ આદમી પાર્ટીનો ઉદય થવા પામ્યો હતો.
સુરત પાલિકાની ચૂંટણીમાં પાસની ડિમાન્ડ બાદ કોંગ્રેસે ટિકિટ ફાળવણી કરી હતી જેમાં ધાર્મિક માલવિયા ને ટિકિટ આપી હતી. ધાર્મિક માલવિયા વાજતે ગાજતે ફોર્મ ભરવા માટે ગયાં હતા પરંતુ છેલ્લી ઘડીએ તોએ ફોર્મ ભર્યું ન હતું. જ્યારે કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાએ ફોર્મ પાછું ખેચી લીધું હતું. માલવિયાએ છેલ્લી ઘડીએ ફોર્મ ન ભરતાં પાસનો ઝોક કોંગ્રેસને બદલે આપ સાથે ગયો અને પાલિકાની ચૂંટણીમાં આપની 27 બેઠક મળી હતી.
પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા
અલ્પેશ કથિરીયા વિરૂદ્ધ 22 કેસ, 14 મહિનાનો જેલવાસ
2015થી સમગ્ર રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને પગલે ચર્ચામાં અલ્પેશ કથીરિયાનું મુળ વતન અમરેલી છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તેમના વિરૂદ્ધ રાજદ્રોહ સહિત અલગ – અલગ 22 કેસ નોંધાયા હતા અને 14 મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેઓ હવે વરાછા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં ઝંપલાવશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર તરીકે હાર્દિક પટેલ બાદ સૌથી વધુ ચર્ચામાં રહેલા અલ્પેશ કથિરીયાની સાથે સાથે ધાર્મિક માલવીયા પણ મુખ્ય ચહેરો બની રહ્યા હતા. જો કે, હવે આ બન્ને યુવાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાની સાથે રાજકીય સફરનો પ્રારંભ કર્યો છે ત્યારે વધુ એક વખત પાટીદાર સમાજ દ્વારા તેમને સમર્થન મળશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓનો દૌર શરૂ થઈ ચુક્યો છે.
——
Leave a Reply
View Comments