સુરત શહેરના આંગણે પધારી રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના દિવ્ય પ્રવચન માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ શહેરના એક કાપડ વેપારી દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદાની અનોખી ભેંટ આપવામાં આવશે. 26મીથી બે દિવસીય સુરત ખાતે યોજાનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસીય દિવ્ય પ્રવચન દરમ્યાન આ ભેંટ તેઓને આપવામાં આવશે.
લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આગામી 26મી અને 27મીના રોજ બે દિવસીય બાગેશ્વર ધામના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ માટે બે ધારાસભ્યો સહિતની એક કમિટીની રચના કરવામાં આવી છે. જેઓ દ્વારા બે લાખથી વધુની જનમેદની માટે બેઠક વ્યવસ્થાથી માંડીને નિઃશુલ્ક પાર્કિંગ માટેની કવાયત હાથ ધરાઈ છે.
જો કે, બીજી તરફ શહેરના નેતાઓ જ નહીં વેપારીઓથી માંડીને ઉદ્યોગપતિઓ પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસરે શહેરના કાપડ વેપારી સાવરલાલ બુધિયા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને યાદગાર ભેંટ આપવા માટે 1.25 લાખ રૂપિયાની 1100 ગ્રામ ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે.
તેઓએ આ અંગે જણાવ્યું હતું કે, પાંચ કારીગરો દ્વારા 20 દિવસની મહેનત બાદ આ ગદા તૈયાર કરવામાં આવી છે. હનુમાન દાદાના પ્રતિક સમાન આ ચાંદીની ગદા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેંટ કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
Leave a Reply
View Comments