ધોરણ 10ની પરીક્ષા આપતો વિદ્યાર્થી કડોદરાની જવેલર્સ લૂંટમાં નીકળ્યો આરોપી : મોંઘા મોબાઈલ અને કપડાના શોખ પુરા કરવા કરી ચોરી

A student giving the class 10 exam was the accused in the robbery of jewelers in Kadodara
A student giving the class 10 exam was the accused in the robbery of jewelers in Kadodara

જિલ્લાના કડોદરા(Kadodara) ખાતે ત્રણ દિવસ પૂર્વે જ્વેલર્સમાં ધાડ(Loot) પાડીને પાંચ લાખની ચોરી થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન ગત મોડી રાત્રે વરેલી ખાતે રહેતા એક બાળ આરોપી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસના હાથે ઝડપાયેલ બાળ આરોપી હાલ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હોવાને કારણે પોલીસ દ્વારા તેના ભવિષ્યને ધ્યાને રાખીને બોર્ડની પરીક્ષાઓ પુરી થયા બાદ તેને જુવેનાઈલ હોમ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ બન્ને આરોપીઓ મોજ – શોખ માટે ચોરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

સુરત જિલ્લા એલસીબી પીઆઈ ભાવિક શાહે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, કડોદરા ખાતે ગત 12 માર્ચના રોજ મોડી રાત્રે મોનિકા જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. સીસીટીવીમાં નજરે પડેલા બે આરોપીઓ દ્વારા શો – રૂમમાં રાખવામાં આવેલા સોના – ચાંદીના ઘરેણાં મળીને અંદાજે 5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલા કડોદરા પીઆઈ આર એસ પટેલ સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા લૂંટારૂઓને ઝડપી પાડવામાં માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જેમાં પ્રાથમિક તપાસ દરમ્યાન સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અંતે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓમાં એક બાળ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વરેલી ખાતે રહેતા દિનેશ સહિત રવિ (નામ બદલેલ છે) નામના આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં રવિ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મુળ પાલી ગામના વતની આ બન્ને આરોપીઓના પિતા પલસાણા જીઆઈડીસી ખાતે નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા બાળ આરોપી સહિત બન્ને આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, માત્ર મોંઘા મોબાઈલ અને કપડાંનો શોખ પુરો કરવા માટે તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. હાલ રવિ કડોદરા ખાતે સરદાર સ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળતાં પોલીસ દ્વારા તેના ભવિષ્યને ધ્યાને રાખીને બાળ સુધાર ગૃહ મોકલવાને બદલે જયાં સુધી ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના મા-બાપ પાસે બંદોબસ્ત સાથે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક વર્ષ અગાઉ પણ દુકાનમાંથી છ લાખની ચોરી કરી હતી

કડોદરામાં જ્વેલર્સમાં ચોરીના આરોપમાં ઝડપાયેલા રવિ અને કિશન નામના આરોપીઓ વરેલીમાં સાથે રહેતા અને એક જ શાળામાં ભણતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ બન્ને આરોપીઓ દ્વારા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે ઘર પાસે જ એક દુકાનમાંથી તેઓએ છ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે, વધુ તપાસ હાથ ધરતાં દુકાનદાર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ગેમમાં પૈસા જીત્યા હોવાનું કહી પિતાને બે લાખ આપ્યા

શ્રમિક પરિવારના આ બન્ને આરોપીઓ દ્વારા જ્વેલર્સમાંથી ચોરી કર્યા બાદ બે લાખ રૂપિયા પિતાઓને આપ્યા હતા. આ અંગે જ્યારે પોલીસ દ્વારા તેઓના પિતાની ઉલટતપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખુદ પિતાના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. પલસાણા જીઆઈડીસીમાં નોકરી કરતાં તેઓના પિતાએ જણાવ્યું હતું કે, રૂપિયા આપતી વખતે આ બન્ને આરોપીઓએ તેઓને ગેમ્સમાં રૂપિયા જીત્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસ દ્વારા બાકીની રકમ અંગે પૂછપરછ કરતાં તેઓએ મોબાઈલ અને કપડાં પાછળ ખર્ચ્યા હોવાનું જણાવ્યું હતું.

બાળ આરોપીના ભવિષ્યને પગલે નિર્ણય : હિતેશ જોયસર

સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, જ્વેલર્સમાંથી ચોરી કરવાના આરોપસર ઝડપાયેલા આરોપીઓ પૈકી એક બાળ આરોપી હોવાને કારણે પોલીસ દ્વારા તેના ભવિષ્યને ધ્યાને રાખીને હાલના તબક્કે જ્યાં સુધી તે બોર્ડની પરીક્ષા પુરી નહીં કરે ત્યાં સુધી તેને મા-પિતાની કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાં બાદ બાળ આરોપી વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે.