વેકેશનની રજાઓમાં જો તમે પણ હોટેલનું ખાવાનું પસંદ કરતા હોય તો એકવાર આ સમાચાર જરૂર વાંચજો. કારણ કે કેટલાક રેસ્ટોરન્ટ ધારકો લોકોના આરોગ્ય સાથે રીતસરના ચેડાં કરી રહ્યા છે. અને જો તેમને તેમની ભૂલ બતાવવામાં આવે તો ઉડાઉ જવાબ પણ આપી રહ્યા છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ મેઘ મલ્હાર ઢોસા સેન્ટર પર પરિવાર સાથે જમવા ગયેલા એક તબીબ પરિવારને પીરસવામાં આવેલા ઢોસામાંથી મચ્છર મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આરોગ્ય માટે હાનિકારક એવા આવા ખોરાકની માહિતી લઈને તેઓ જયારે ઢોસા સેન્ટરના માલિક પાસે પહોંચ્યા ત્યારે તેઓએ કસ્ટમરને સાંભળવાને બદલે ઉડાઉ જવાબ આપ્યો.
તેઓએ જણાવ્યું હતું કે ખુલ્લામાં બેસવાથી આ મચ્છર ગમે ત્યાંથી આવ્યો હોય શકે છે. જોકે તબીબનું કહેવું હતું કે આ જીવાત ઢોસાની અંદરથી જ નીકળી છે. આ માટે જયારે ઢોસા સેન્ટરના માલિકને ફરિયાદ કરવામાં આવી તો તેણે ભોજનના રૂપિયા પાછા આપી દેવાની વાત કરી. જોકે આવા ઉડાઉ જવાબ સાંભળીને ફરિયાદી તબીબે તેને સબક શીખવાડવા માટે મનપામાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું.
ફરિયાદી દ્વારા આ માટેની ફરિયાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે, અને અન્ય સાથે ફરી આવી રીતે બનાવ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. નોંધનીય છે કે ખાણી પીણી માટે જાણીતા સુરતના લોકો વીકેન્ડમાં પરિવાર સાથે બહાર ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સ્વચ્છતા અને લોકોના આરોગ્યનો વિચાર કર્યા વિના બેરોકટોક ધંધો ચલાવતા આવા રેસ્ટોરન્ટ સંચાલકોને સબક મળે તે પણ ખુબ જરૂરી છે.
Leave a Reply
View Comments