સુરત શહેરમાં ઈ-વાહનોનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલિકાએ વધુ 25 હાઈ-સ્પીડ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત પાલિકાના એનર્જી એફિશિયન્સી સેલ દ્વારા કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈને શહેરી વિકાસ વિભાગ મારફત સરકારને સૂચનો મોકલીને જીડીસીઆરમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવાની કવાયત શરૂ કરી છે.
સુરતમાં ઈ-વાહનોની સંખ્યા વધી રહી છે
પર્યાવરણ બચાવવા માટે પાલિકા દ્વારા ઈ-વાહનો માટે કરાયેલી જોગવાઈ અને રાહતના કારણે સુરતમાં ઈ-વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારાને કારણે લોકો ઈ-વાહનો તરફ વળ્યા છે. ઈ-વાહનોની વધતી સંખ્યાને વધુ પ્રોત્સાહિત કરવા માટે, પાલિકા આગામી દિવસોમાં જીડીસીઆરમાં જ ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહી છે. આ માટે પાલિકા કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈ રહી છે. ત્યારબાદ કન્સલ્ટન્ટની ભલામણના આધારે એનર્જી એફિશિયન્સી સેલ શહેરી વિકાસ દ્વારા જીડીસીઆરમાં નવા બાંધકામોમાં ઈ-વાહનો માટે ચાર્જિંગની વ્યવસ્થા કરશે.
શહેરમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું રજીસ્ટ્રેશન થયું છે
સુરત શહેરમાં ઈ-વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે.હાલમાં સુરત શહેર મ્યુનિસિપલ તંત્ર દ્વારા જાહેર પરિવહન સેવાઓ માટે ઈ-બસનો ઉપયોગ કરી રહ્યું છે. આગામી દોઢ વર્ષમાં સુરત શહેરમાં 600થી વધુ ઈ-બસ દોડાવવાની યોજના છે. તે જ સમયે, સુરત શહેરમાં 21 હજારથી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલર નોંધાયા છે. મ્યુનિસિપલ તંત્રએ આ ઈ-વાહન માટે અત્યાર સુધીમાં 25 ઈલેક્ટ્રિક ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા છે. ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 25 હાઈસ્પીડ ચાર્જિંગ સ્ટેશનો ખોલવામાં આવશે.
Leave a Reply
View Comments