સ્કૂલ વાન ચાલકો દ્વારા વીજળીક હડતાળની જાહેરાત થતા વાલીઓ અટવાયા

Parents stuck as school van drivers announce lightning strike

સુરત શહેરમાં આજે સ્કુલ વાનના ચાલકો દ્વારા વિજળીક હડતાળની જાહેરાત કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વહેલી સવારથી જ મોડા ભાગના સ્કુલ વાનના ચાલકો દ્વારા હડતાળનું રણશિંગુ ફુંકતા વાલીઓ ભુલકાઓને શાળાએ મુકવા માટે દોડધામ કરતાં નજરે પડ્યા હતા. શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કુલ વાન વિરૂદ્ધ અભિયાન શરૂ કરતાં ચાલકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

રાજકોટ હોનારત બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી સહિતના નીતિ – નિયમો મુદ્દે વહીવટી તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જ જીવતા બોમ્બ સમાન સ્કુલ વાનમાં પણ નિર્ધારિત બાળકોને બેસાડવાની સાથે – સાથે ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નીતિ – નિયમોનું પાલન આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્કુલ વાન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. રોજ સવારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતાં વાહન ચાલકોને 20થી 25 હજાર રૂપિયાનો દંડ આપવામાં આવી રહ્યો હોવાનો પણ વાન ચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ સંદર્ભે સ્કુલ વાન ચાલકોએ ગાડીઓની કામગીરી પુર્ણ કરવા માટે સમય મર્યાદા આપવાની પણ માંગ કરવામાં આવી છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ બાંધછોડ ન કરવામાં આવતાં આજે સવારથી જ શહેરની વિવિધ શાળાઓનાં 15 હજારથી વધુ વાન ચાલકોએ વિજળીક હડતાળ પાડતાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી થવા પામી છે. શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વાલીઓ આજે સવારે પોતાના ભુલકાઓને શાળાએ મુકવા માટે મજબુર બન્યા હતા. જેને પગલે શાળાની બહાર પણ ટુ વ્હીલર અને ગાડીઓની હાજરીને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *