શહેરના તાપી તટે આવેલ શ્રી રામનાથ ઘેલા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ભૂમિના વિસ્તરણ માટે સુરત મહાનગર પાલિકા પાસેથી જમીન ફાળવવા અંગે રજુઆત કરવામાં આવી છે. જે સંદર્ભે આવતીકાલે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ટ્રસ્ટ દ્વારા ટી.પી. 5 (ઉમરા – નોર્થ)માં ફાઈનલ પ્લોટ નં. 186ને લાગુ અંદાજે 1300 ચોરસ મીટર જમીનની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષોથી સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ સ્મશાન ભૂમિનું સંચાલન કરતા ટ્રસ્ટ શ્રી રામનાથ ઘેલા દ્વારા ગત ઓગસ્ટ 2021માં સ્મશાન ભૂમિના વિસ્તરણ સંદર્ભે જરૂરી જમીનની ફાળવણી કરવા મહાનગર પાલિકા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. હાલમાં આ સ્મશાન ભૂમિમાં માત્ર ચાર જ ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત છે અને જેને કારણે ઘણી વખત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે મૃતકના પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. ઘણી વખત મૃતદેહોની સંખ્યા વધી જતાં નાછૂટકે જમીન પર જ લાકડા ગોઠવીને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવતું હોય છે.આ સ્થિતિમાં ટ્રસ્ટ દ્વારા સ્મશાન ભૂમિની પાસે જ આવેલ 1300 ચોરસ મીટર જેટલી જમીનની ફાળવી આપવા રજૂઆત કરવામાં આવી છે.
ટ્રસ્ટ દ્વારા મહાનગર પાલિકા પાસેથી જે જમીનની ફાળવણી અંગે રજુઆત કરવામાં આવી છે તેમાં હિન્દુ કોળી સમાજના મૃતકોની કબરો આવેલ હોય અને હાલ આ જમીનનો કબ્જો પણ ટ્રસ્ટ પાસે જ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા ટીપી 5 (ઉમરા – નોર્થ)ના એફપી નં. 1, 186 અને 187ને લાગુ 12 મીટરની પહોળાઈના રસ્તાનું સ્થાન ફેર કરવાની સાથે સાથે તેને લાગુ પ્લોટની પુનઃ રચનામાં ફેરફાર કરીને ટ્રસ્ટને જરૂરિયાત મુજબની જમીનની ફાળવણી અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
Leave a Reply
View Comments